marun ghar - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ખુલ્લાં ખેતરોની ઉગમણી ગમ જે દૂર દેખાય કુંજ

એમાં અશ્વત્થ-ટોચે ફરકત ધ્વજ ત્યાં બાજુમાં લાલ નેવે

છાયેલું, સ્વર્ણ તેજે અનુપમ સુષમાનો ધરી સાન્ધ્ય રંગ,

જેની મેડીની બારી અહીં લગી નજરું ઢાળતી રે' સનેહે

તે મારું કાળ-જૂનું ભવન; નિખિલ કેન્દ્રથી વિસ્તરેલું:

એની સર્વત્ર, જ્યાં જ્યાં ગતિ મુજ ત્યહીં, રેલાય છાયા અદીઠ.

ક્ષેત્રે સંકલ્પ કેરાં અગણિત કંઈ જે બીજ વેરેલ તેનું

કૉળેલું સ્વપ્ન જાણે અનિમિષ દૃગ માંડી નિહાળે વ્યતીત!

ને આંહીં સૂર્ય, ઝંઝા, જલ, જીવ, વનના ફાલના જે અનંત

મેળો જામેલ તેના ઋતુ સમ રમતા નિત્ય કોલાહલે

એનો ગુંજંત ઝીલું અરવ શ્રુતિ તણો અંતરે શાન્તિમંત્ર,

જેના આનંદછંદે મન મુજ અનુસંધાનમાં રે’ સદૈવ.

હાવાં ગોધૂલિ-વેળાઃ દ્રુત દ્રુત રવ-દોણી ધરે દૂધ-સેર;

ચાલો ઘેર, ઘેલા પવનની અડતી અંગને ઠંડી લ્હેર!

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989