marjiwiya - Sonnet | RekhtaGujarati

સમુદ્ર ભણી ઊપડ્યા કમરને કસી રંગથી

અટંક મરજીવિયા, ડગ ભરન્ત ઉત્સાહનાં;

પ્રદીપ્ત નયનો; અથાગ બળ ઊભરે અંગથી;

મહારવતણી દિશા પર ઠરી બધી ચાહના.

ડર્યાં પ્રિયજનો; બધાં સજલનેત્ર આડાં ફર્યા,

શિખામણ દીધી : ‘વૃથા જીવન વેડફો કાં ભલા,

કહીંથી વળગી વિનાશકર આંધળી આ બલા?’

પરન્તુ દૃઢ નિશ્ચયી નહિ જ એમ વાર્યા વર્યા.

ગયા ગરજતા અફાટ વિકરાલ રત્નાકરે;

તરંગ ગિરિમાળ શા હૃદય ઉપરે આથડ્યા,

હઠ્યા ન લવ તોય, સાહસિક સર્વ કૂદી પડ્યા

અગાધ જળમાં, પ્રવેશ કીધ કાળને ગહવરે.

ખૂંદ્યાં મરણનાં તમોમય તળો અને પામિયા

અખૂટ મણિમોતીકોષ, લઇ બ્હાર એ આવિયા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 77)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000