maran - Sonnet | RekhtaGujarati

મને ન મરવું ગમે છૂટક ટૂંક હફતા વડે

મળે મરણ ગાય-ગોકળ સમું, ધીમું, – વાવરે

યદા કૃપણ સંપદા અસહ લોભથી – ના ગમે

અનેક જન જીવતાં મરણ-ભાર માથે વહી

ભલે હલચલે જણાય જીવતાં, છતાં દીસતાં

મરેલ, શબ શાં અપંગ, જડ, પ્રેત દીદારમાં

અને મનસમાંય – ઓઢત ભલે ન કો ખાંપણ,

મસાણ તરફે જતાં ડગમગંત પંગુ સમાં.

ગણું મરણ માહરું જનમસિદ્ધ શું માગણું,

અબાધિત લખેલ તામ્રપતરે જિવાઈ સમું.

ન કાં વસૂલ એ કરું મનગમંત રીતે જ હું

કરે કરજ લેણદાર ચૂકતું તકાદા વડે-?

ચહું જ ઉઘરાવવા મરણ એક હફ્તા વડે;

બિડાય ભવચોપડો, કરજમાં ન કાંધાં ખપે.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 80)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004