ચલો મન, ચલો!
chalo man, chalo!
સુંદરજી બેટાઈ
Sundarji Betai

ચલો મન ચલો! ભરો કદમ! માર્ગમાં આમ કાં
ગમે અટકવું અરે લઈ ગણી ‘અઠે દ્વારકા’?
કઠે પગ? ભલે કઠે! અધિક દાબ – પંપાળ શી?
પ્રતીતિ તુજ હો – ‘નથી જ તુજ દ્વારકા હ્યાં વસી.’
સુંવાળી સુખસેજ શું ગણવી ધૂળ – આળોટને?
સિંહાસન સુવર્ણનાં ગણી લીધાં શું તેં પથ્થરે?
સુખાર્દ્ર અનિલોર્મિ રુક્ષ પવને તને સાંપડી?
હૂંફાળી સગડી શું જીવનની અંધ આંધી ઘડી?
ઘડી અધઘડી સુમન્દ સરવા કરો કાન, ઓ
સદા નવું સુણો સુદૂર ગતિગાન સિન્ધુનું;
ઘડી અધઘડી ઉઘાડી અદબીડિયાં લોચન
દિશે દિશ વિરાજતાં નવનવાં પિયો દર્શન.
ચલો મન, ચલો! વહો! વહનશીલતા જીવન!
વહો, વહનશીલને જ સુખસિન્ધુનાં મજ્જન.



સ્રોત
- પુસ્તક : કાવ્યગુર્જરી (પૃષ્ઠ ક્રમાંક 13)
- પ્રકાશક : મધુસૂદન વૈદ્ય, આચાર્ય, મ. મા. પ્યુપિલ્સ ઓન સ્કૂલ
- વર્ષ : 1964