mane amantre chhe - Sonnet | RekhtaGujarati

મને આમન્ત્રે છે

mane amantre chhe

પ્રજારામ રાવળ પ્રજારામ રાવળ
મને આમન્ત્રે છે
પ્રજારામ રાવળ

મને આમન્ત્રે છે ગિરિવરતણાં શૃંગ ગરવાં;

ધરાથી ઊંચે કૈં અનહદમહીં વાસ કરવાઃ

ધરામાં રોપીને નિજ ચરણને ઉન્નત ખડાં:

અ-સંગીઃ એકાન્તીઃ નિજ સુખમહીઃ સ્થાણું: નરવાં.

મને આમન્ત્રે છે; અધિક કરતો કાન સરવા;

અહો, શીળી શીળી; શિખર પરની આછરી હવાઃ

લહેરાતી હોંસે; હૃદય હળવેઃ નિર્મળ નરીઃ

ઘણા જૂના, મીઠા સુહૃદ સરખી; કૈં અભિનવા.

મને આમન્ત્રે છે શિખર પરનું આભ, નમતું:

વિશેષે તેજસ્વી ઉડુગણથકી કૈં ઊભરતુઃ

જરા જો હું ઊંચો કર મુજ કરું; સ્પર્શે શશીનેઃ

સદા બંધાયેલું ઉર થનગને; સૂણી, ગમતું.

મને આમન્ત્રે છે ગગનતણી યે પારની દ્યુતિઃ

સુણે છે સંદેશા અજબ નવલા શા મુજ શ્રુતિ!

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008