mahenun - Sonnet | RekhtaGujarati

મહેણું

mahenun

ઉશનસ્ ઉશનસ્
મહેણું
ઉશનસ્

તું પંગુને ગિરિ હિમાલય લંઘવી શકે,

માનું; પરંતુ જણ અહીં આવી તો શકે

મારી કને ડગલું એક ભરી,— અશક્ય;

ના શૂન્ય તસુ કપાય ટૂંકાય તુંથીયે.

વાચાળ તો કરી શકે હજી મૂકને તું

માનું; પરંતુ જણ એક તણા અબોલા

તૂટી શકે તુજથી; જણ બે વચાળનું

શૂન્ય મેરુ સમ તું જરી તો ચળાવી જો.

હા, તું કરી, અ-કરી, સર્વ શકે, પરંતુ

તું અન્યથા કરી શકે અભાગ્ય મારું આ;

સર્વત્ર તું નથી જ, બોલ, અમારી બે વચે

શૂન્યતા-તરડ : વ્યાપી શકાય તુંથી તે?

તું મારું આટલુંક મ્હેણું ઉપાડી ના શકે,

'હાર્યો,’ કબૂલ કર, દસ્કત મૂક અત્ર, લે!

સ્રોત

  • પુસ્તક : સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 454)
  • સર્જક : ઉશનસ્
  • પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
  • વર્ષ : 1996