mahaa-vad - Sonnet | RekhtaGujarati

જટાજટિલ જીર્ણશીર્ણવપુ ભવ્ય ભારત,

મહા-વડ અડોલ, કૈં યુગથપાટ ખાતો ખડો.

હશે થડ કયું, કઈ વડવાઈઓ? રાફડા

અઘોર-રવ ફૂંફવે! વિકટદંષ્ટ્ર પ્રાણી કંઈ

પરસ્પર પ્રતિ શું હિંસ્ર ધસતાં? છળી ઠોકતાં

ધરા પર ખરી, હણાય પશુ, રાંક જીવાત કૈં

પિલાય, જનમે-શમે. થર પરે થરો કારમા

ઉધેઈ રચતી રમે સૂકલ મૂળજાળાં ગ્રસી.

તથાપિ ચઢતો અહો કહીંયથી ઉર્વીરસ

પ્રફુલ્લ કરી ડાળ ડાળ હસતો કુંપેરો પરે,

વરેણ્ય સવિતા તણાં કિરણભર્ગ આમંત્રતો,

વિહંગકુલ પર્ણપુંજ મહીં જે લપ્યાં તેહને

અનંત નભગુંજતી ઋતઋચાથી ટ્હૌકાવતો.

અખંડ ધૃતિવંત ભારત શ્વસંત શાશ્વત.

સ્રોત

  • પુસ્તક : ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2012
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ