માગું બસ રાતવાસો જ હું
maagun bas raatvaaso ja hun
રામનારાયણ પાઠક 'શેષ'
Ramnarayan Pathak 'Shesh'
રામનારાયણ પાઠક 'શેષ'
Ramnarayan Pathak 'Shesh'
[પૃથ્વી]
ગયો દી, થયું મોડું ને ઉપર રાત અંધારી છે,
નભે ઝઝૂમતાં ઘનો, નહિ હું માર્ગનો ભોમિયો,
નજીક ન સરાઈ, સાથી વણ થૈ રહ્યો એકલો,
પિછાણ નહિ ક્યાંઈ, ને મુલક આ અજાણ્યો મને.
બધો દિવસ ચાલી ચાલી ચરણોય થાકી ગયા,
ન આશ્રય બીજો ન બારી પણ ખુલ્લી બીજે ક્યહીં,
નિહાળી તમ દીપ, દ્વાર પણ આ તમારાં ખૂલાં,
અજાણ અહીં આવી માગું બસ રાતવાસો જ હું.
વિશાળ તમ હર્મ્ય માંહી ક્યહીં કો ખૂણો સાંકડો,
થશે મુજ જઈફ કેરી મૂઠી દેહને પૂરતો;
તમો નસીબદારને નહિ કશું જણાશેય ને
પરોડ મુજને થતાં નવીન તાઝગી આવશે.
મુસાફરી હજી રહી હું નવ જાણું કે કેટલી,
પરંતુ તવ પાડ અંત સુધી કો દી ભૂલીશ ના.
સ્રોત
- પુસ્તક : રા. વિ. પાઠકનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 23)
- સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2013
