kunj urni - Sonnet | RekhtaGujarati

કુંજ ઉરની

kunj urni

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી

(આત્માનાં ખંડેર : સૉનેટમાલા)

શ્વસે શૃંગે શૃંગે યુગ યુગ તણા શ્રાન્ત પડઘા,

અને વ્હેતી તાજી ઝરણસલિલે આદિકવિતા,

તળાવોનાં ઊંડાં નયન ભરી દે કાલની દ્યુતિ,

રચે બીડે ઘાસે પવન ઘૂમરીઓ સ્મિત તણી;

દ્રુમે ડાળે માળે કિલકિલી ઊઠે ગીતઝૂલણાં,

લતા પુષ્પે પત્રે મુખચમક ચૈતન્યની મીઠી;

પરોઢે-સંધ્યાયે ક્ષિતિજઅધરે રંગરમણા,

-મને આમંત્રે સૌ પ્રણય ગ્રહવા વિશ્વકુલનો.

નહીં મારે રે પ્રકૃતિરમણીનાં નવનવાં

ફસાવું રૂપોમાં, પ્રણય જગને અર્પણ કર્યો.

મનુષ્યો ચાહે કે કદી અવગણે, કૈં ગણના;

રહું રાખી ભાવો હૃદય સરસા, સૌ મનુજના.

મને વ્હાલી વ્હાલી કુદરત ઘણી, કિંતુ અમૃતે

મનુષ્યે છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની.

[મુંબઈ, ર-૯-૧૯૩પ. (નિશીથ)]

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ ઉમાશંકર (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2005