સામનો
samno
રજનીકાન્ત દેસાઈ
Rajnikant Desai
પ્રવાત શરૂ ત્યાં થયો; સભય ત્રાડ નાખી નભે,
વળી સકળ તેજપુંજ રવિ રશ્મિ સંકેલીને
થયો અકળ રેણુએ; હૃદય સર્વ કંપી ઊઠ્યાં.
સ્વરો વિહગગાનના પ્રલયગાનના સૂરમાં
મળ્યાં, મધુરતા ત્યજી રુદનમાં ફરી તે ગયા.
કરાલરૂપ રુદ્ર શું પ્રલય પેખવા વિશ્વનો
થયા મગન તાંડવે, ધ્રુવસિતારલો વા ચળ્યો!
- હતું ન કશું તે થયું; ભીષણ ફક્ત આંધી ચઢી.
તહીં પ્રબળ વાયુ સાથ વડ યુદ્ધને આદરે,
ધરી અડગ શિર્ષને નિજ તૂટી દ્વિપક્ષ્મો ગઈ,
છતાં ય ન ડગ્યો; જતાં સરવ અંગ છેદાઈ છે.
નમે શિર ન વીરનું – જીવનમાં ય આંધી ઘણી
ચઢે છ મમ; તો પછી ન વડલા સમો શીદ
શિરોન્નત રહી કરું સબળ સામનો સર્વનો.
(અંક ૧૬૯)
સ્રોત
- પુસ્તક : કુમાર : પ્રથમ વીસીનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 73)
- પ્રકાશક : કુમાર કાર્યાલય લિમિટેડ
- વર્ષ : 1991