yaminine kinar - Sonnet | RekhtaGujarati

યામિનીને કિનાર

yaminine kinar

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
યામિનીને કિનાર
રાજેન્દ્ર શાહ

આછીધેરી પુર ઉપરની ધૂમ્રની ધૂંધળીમાં

ધીરે ધીરે અરવ પગલે ઊતરે અંધકાર.

લીલાં ભૂરાં નયનમધુરાં ખેતરો ને બીડોમાં

વાંકી શિંગી, કૃષિક, દ્રુમ ને પંખીઓનાં અપાર

-થાક્યા જેવા લથડી નમતા ઘંટડીના સ્વરોમાં-

છાયાચિત્રો સજીવ રમતાં યામિનીને કિનાર.

ધીરે ધીરે નયનધન સૌ અંધકારે વિલાય,

ધીરે ધીરે શબદ શમતાં મૌન ઊંડું છવાય.

રે મૌને-ગહન ગરવી શાન્તિએ-શાંય જાદુ?

હૈયે જાગે સ્વપનમય કો રાગિણીનાં તુફાન.

પૃથ્વીપેટે સ્ફુરતી વહતી નિર્ઝરી જેમ સાદું

હોઠે આવી ફરકી ઝરતું મર્મરે રમ્ય ગાન.

ને ગાણાના ધ્વનિત પડઘા હોય ના એમ જાણે

વ્યોમે વ્યોમે તરલ ધવલા ફૂટતા તારલાઓ.

સ્રોત

  • પુસ્તક : ધ્વનિ (પૃષ્ઠ ક્રમાંક 79)
  • સર્જક : રાજેન્દ્ર શાહ
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 2006
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ