kawino shabd - Sonnet | RekhtaGujarati

કવિનો શબ્દ

kawino shabd

ચિનુ મોદી ચિનુ મોદી
કવિનો શબ્દ
ચિનુ મોદી

મને તું બાંધે જે જડજગતના નિત્ય નિયમે?

મને? મારો આપું પરિચય તને? હું પવન છું.

વહું છું સ્વેચ્છાએ અલસ અથવા તીવ્ર ગતિએ,

પછાડું વર્ષોનાં ખખડધજ વૃક્ષો પલકમાં.

અને એનો હું કુસુમરજ વ્હેચું વન વિશે,

તને આપું મારો પરિચય હજી? હું સમય છું.

ક્ષણોનો સ્વામી છું, સતત સરકું છું, અખિલ

રચેલો બ્રહ્માંડે; સઘન બનતું શૂન્ય જગનું.

ઉલેચું એથી તો પ્રલયકર વિસ્ફોટ અટકે,

હજી તારી આંખે કુતૂહલ વસે? તો સમજ કે

ધરા ને આકાશે, ગહનતમ પીતાલતલમાં,

વહી છાનો છાનો ધ્વનિત બનતો હું લય સખી.

છટાથી વાયુ સમય - લયને એક કરતો,

ત્રિકાલે, બ્રહ્માંડે, મુખરિત થતો શબ્દ કવિનો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 83)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000