nawya kawita - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નવ્ય કવિતા

nawya kawita

બલવંતરાય ઠાકોર બલવંતરાય ઠાકોર

([શિખ૦] ચ્હાશો વા ચ્હાશો? સકુતુક પુછે નવ્ય કવિતા.)

મ્હને ચ્હાશો? ના હૂં લલિત લલકારાવિલ તરલ;

નહીં ચ્હાશો? હૂં તો હૃદય ઉતરૂં તે પછિ સરલ.

મ્હને ચ્હાશો? ના હું પરિચિત પદાલંકૃત પટલ;

નહીં ચ્હાશો? હૂં તો મરમ સમઝાયે દ્યુતિ વિમલ.

મ્હને ચ્હાશો? ના હૂં પ્રભુ ભજું ચમત્કાર ગજબે;

નહીં ચ્હાશો? હૂં તો કુદરત રહૂં મોહિ અજબે.

મ્હને ચ્હાશો? ના હૂં દ્રવું સુરવિલાસાદ્ભુત રસે;

નહીં ચ્હાશો? હું તો પિગળું જગના અંધ હવસે.

મ્હને ચ્હાશો? ના હૂં જડબલજ્યાલેખન કરૂં;

નહીં ચ્હાશો? હૂં તો મૃદુલ રતિરંગે દૃગ હરૂં.

મ્હને ચ્હાશો? ના હૂં ગત સમય જાજવલ્યથિ હસૂં;

નહીં ચ્હાશો? હું તો ઉડિ ઉડિ ભાવિ પ્રતિ ધસૂં.

મહાકાવ્યો જૂના કવિજન અને વંદુ સહુને,

નવે કાળે તો યે કવન નવલાં સર્જિ દઉંને?૧૪

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000