aadi kawita - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આદિ કવિતા

aadi kawita

પ્રજારામ રાવળ પ્રજારામ રાવળ

અહીં પૃથ્વીના પટ ઉપર કૈં ફુલ્લ, નમણાં,

નિહાળું છું કૂંળાં કમળ-મુખડાં બાળક તણાં:

કશાં ભોળાં; હસું હસું થતાં, સાવ અમથાઃ

સ્મિતાળું જો ભાળે વદન, હસતાં તુર્ત, બમણાં.

ફરું જ્યાં જ્યાં, ત્યાં ત્યાં સુભગ શિશુઓ કેરી રમણાઃ

નચિંતાં કલ્લોલે જગત-રસમાં મગ્ન ઘણા.

ઑથારો ભારી, હૃદય પર કારી, ગત તણા:

આવી ઊભા રહે દૃગ પજવતાં ભાવિ સમણાં:

પુરાણો અશ્વત્થ પ્રકટિત નવો નિત લહું.

મહોલ્લાસે કાંઇ, ફૂટતી ટીશીઓ નીરખી રહું.

જરી વાયુ-લ્હેરે રણઝણી રહે મોદિત અહો!

નવા ચ્હેરા; રૂડાં સ્મિત-નયનનું જગ ચહું.

અનાદિ આકાશે અભિનવ-નવોન્મેષ-સવિતા:

વહે તાજી તાજી પૃથિવી-પટપે આદિ કવિતા.

(૧૯૮૦)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 63)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000