કવિનું વસિયતનામું
kavinun vasiyatnaamun
દેવેન્દ્ર દવે
Devendra Dave

(મંદાક્રાન્તા)
કોને શી દૌં જણસ? પડું ના ઝંઝટે, ના ગમે એ,
માંહોમાંહે લડી ન મરતા વારસા કાજ બેઉ;
ના ઝાઝું કૈં તમ નસીબમાં : ખોરડું ખોબલા-શું,
હાથા-તૂટી ખુરશી, ઘડિયાળે દીસે કાળ થીજ્યો!
પંખો જેની ઘરડ ઘરડે નાસતો વાયુ ત્રાસી!
પાટીવાળો 'કિચૂડ' કરતો ખાટલો ને બિછાનું
ચારેપાથી તીતરબિતરે, ઢોચકી ઠીબ ઢાંકી!
થોડી જૂની ઉરનીંગળતી પોથી ઓજસ્વિની આ,
'પસ્તી-પાનાં' કહી રમૂજમાં હાસ્ય રેલે જનો સૌ!
જેમાં ગૂંથ્યાં વિહગ-ટહુકા, ફૂલની મૂક ભાષા,
તારાઓની મિજલસ, ભળ્યા અબ્ધિના ઘુઘવાટા!
સૌંદર્યોનાં અખૂટ ઝરણાં, ના ગમે, વ્હેંચી દેજો
ખંતીલા કો રસિક ઉરને, છાંટણાં શબ્દ કેરા
સીંચી સ્નેહે-ઊછરી-કવિતા-ફૂટશે અંતરેથી!



સ્રોત
- પુસ્તક : ઉદ્દેશ : ઑગસ્ટ ૧૯૯૪ (પૃષ્ઠ ક્રમાંક 36)
- સંપાદક : રમણલાલ જોશી
- પ્રકાશક : ઉદ્દેશ કાર્યાલય