karoliyo - Sonnet | RekhtaGujarati

કરોળિયો

karoliyo

નિરંજન ભગત નિરંજન ભગત

નર્યો મલિન, હૃષ્ટપુષ્ટ, શત ડાઘ, ભૂંડો ભખ;

સરે લસરતો, તરે તું પવનાબ્ધિ ઑક્ટોપસ;

કુરૂપ નિજ કાય પલટવા કયો પારસ?

અને નીરખવા યથાવત ચહે કોનાં ચખ?

છતાં મૃદુલ, સ્નિગ્ધ ને રજતવર્ણ કૈં તારથી

ગ્રંથે સુદૃઢ જાળ, દેહ નિજથી જ, નિત્યે નવી,

કલાકૃતિ રચે શું ક્લાસિકલ સંયમી કો કવિ,

દબાય નહીં જે જરીય નિજ દેહના ભારથી.

અલિપ્ત અળગો રહે, અતિથિ અન્ય કો સૃષ્ટિથી;

જણાય જડ, સુસ્ત, સ્વસ્થ, અતિ શાંત; કેવો છળે!

સુગંધભર જાળને કુસુમ માનતી જે ઢળે

એક પણ મક્ષિકા છટકતી છૂપી દૃષ્ટિથી;

મુરાદ મનની: (નથી નજર માત્ર પૃથ્વી ભણી)

કદીક પકડાય જો નભધૂમંત તારાકણી.

(૧૯પ૪)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000