Kalveg - Sonnet | RekhtaGujarati

(પૃથ્વી)

નહીં જ ગઈકાલનો સૂરજ આજ આ કામનો

નહીં જ ખપનો રહ્યો પૂનમચન્દ્ર, વાસી થયો!

વહ્યો સરસ વાયુ કાલ, વહી આજ તે ક્યાં ગયો?

ખીલ્યાં કુસુમ કાલનાં સકલ વ્યર્થ, આજે નથી!

ગયું બસ ગયું જ છે, ન ખપનું, ગયુ તે ગયું

ગયું જ ગયુંનો બધે બધ અપાર કોલાહલો

ઊઠે, ફરી ગયું, ગયું ગયું ગયું ગયું આ ગયું

ગયું ગયું, કશું ટકે નહીં, ગયું ગયું આ ગયું!

રહેતું નહીં, ના જરાય ટકતું કશું, આ ગયું!

સવેગ ધસતું, ધસે ન ટકતું અરે! આ ગયું!

જતું હજી ભળાય, ત્યાં જ ધસતું કશું ને જતું

જતું જતું, નહીં જરા અટકતું, જતું ઓ જતું!

નજીક કશુંક આવતું, ન ટકતું જરા ને જતું

જતું, જતું, જતું, જતું સકલ ચાલી વેગે જતું!

સ્રોત

  • પુસ્તક : કાલવેગ (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સર્જક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ઝેન ઓપસ, અમદાવાદ
  • વર્ષ : 2024