kahun hun urne - Sonnet | RekhtaGujarati

કહું હું ઉરને

kahun hun urne

મનસુખલાલ  ઝવેરી મનસુખલાલ ઝવેરી
કહું હું ઉરને
મનસુખલાલ ઝવેરી

કહું હું ઉરને “તને પ્રણયભૂખ શી આવડી?

નથી અતલ ભૂતમાં સ્મૃતિ ભરેલ સૌભાગ્યની?

સાંપ્રત મહીં વા ઝળકી તેજરેખા રહી?

નથી સ્વપનમાધુરી સુખભરેલ શું ભાવિની?

રહે છે ઝુરી કે નિરંતર અશક્ય કાજે તું? પ

હતો પ્રણય ન્હાળિયો કદિ તેં? છે ધન્યતા

કદી અનુભવી તેં પ્રણયકેરી, કે તું રહે

નકામું જળ ઝાંઝવા ભણી ધસી? અને વેડફે

કુમાશ તુજ પથમાં કુટિલ કંટકોથી ભર્યા?

અરે! પ્રણયપંથ એહ તુજ કાજ હૈયાં! નથી!” ૧૦

કહું હું ઉરને: છતાં નવ હઠીલું માનતું;

કહે, “ખરું,પરંતુ હું વિકસું આશ એની ધરી;

અને તહીં જો વસ્યું સકલ માહરું જીવન,

વસો મરણનું ત્યાં મુજ સુભાગ્ય ને સાન્ત્વન.”

એપ્રિલ, ૧૯૩૯

સ્રોત

  • પુસ્તક : આરાધના (પૃષ્ઠ ક્રમાંક 175)
  • સર્જક : મનસુખલાલ ઝવેરી
  • પ્રકાશક : આર. આર. શેઠ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ