junun piyer ghar - Sonnet | RekhtaGujarati

જૂનું પિયેર ઘર

junun piyer ghar

બલવંતરાય ઠાકોર બલવંતરાય ઠાકોર
જૂનું પિયેર ઘર
બલવંતરાય ઠાકોર

બેઠી ખાટે ફરિવળિ બધે મેડિયો ઓરડામાં,

દીઠાં હેતે સ્મૃતિપડ બધાં ઊકલ્યાં આપ રૂડાં.

માડી મીઠી, સ્મિત મધુર ને ભવ્ય મૂર્તી પિતાજી,

દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠિથી બાળ રાજી;

સૂનાં સ્થાનો સજિવન થયાં, સાંભળૂ કંઠ જૂના,

આચારો કૈં વિવિધ ઢબના નેત્ર ઠારે સહૂનાં

ભાંડૂ ન્હાનાં, શિશુસમયનાં ખટમિઠાં સોબતીઓ

જ્યાં ત્યાં આવી વય બદલ સંતાય જાણે પરીઓ.

તોયે સૌ સ્મૃતિછબિ વિશે વ્યાપિ લે ચક્ષુ ઘેરી,

ન્હાની મોટી બહુરુપિ થતી એક મૂર્તી અનેરી:

ચૉરીથી દિવસ સુધિમાં એવિ જામી કલેજે

કે કૌમારે પણ મુજ સરે બાળવેશે સહેજે!

બેસી ખાટે પિયરઘરમાં ઝિંદગી જોઇ સારી

ત્યારે જાણી અનહદ ગતિ, નાથ મારા, ત્હમારી. ૧૪

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000