junun ghar khali kartan - Sonnet | RekhtaGujarati

જૂનું ઘર ખાલી કરતાં

junun ghar khali kartan

બાલમુકુન્દ દવે બાલમુકુન્દ દવે
જૂનું ઘર ખાલી કરતાં
બાલમુકુન્દ દવે

ફંફોસ્યું સૌ ફરી ફરી અને હાથ લાગ્યું ય ખાસ્સુઃ

જૂનું ઝાડું, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,

બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,

તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો!

લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું, જે

મૂકી ઊંધું સુપરત કરી, લારી કીધી વિદાય.

ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,

જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો,

જ્યાં દેવોના પરમ વરશો પુત્ર પામ્યાં પનોતો

ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો!

કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:

‘બા, બાપુ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે?’

ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા!

ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણિકા!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 95)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004