yatharth ja supathya ek - Sonnet | RekhtaGujarati

યથાર્થ જ સુપથ્ય એક

yatharth ja supathya ek

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
યથાર્થ જ સુપથ્ય એક
ઉમાશંકર જોશી

(આત્માનાં ખંડેર : સૉનેટમાલા)

રાવ, ફરિયાદ ના, ફિકર ના, અજંપાય ના,

કે પ્રબલ કોઈ સત્ત્વ થકી શક્તિની યાચના.

ઘેલી લગનીય વા ગગનચુંબી આદર્શની

ભમાવતી અસત્યચક્ર રચી રમ્ય ભ્રાન્તિ તણાં.

જગે દુરિતલોપની ઉર અશક્ય ના વાંછના,

વા ધગશ સૃષ્ટિના સકલ તત્ત્વસંમર્શની;

ડગેડગ વધારતી વજન શૃંખલા કાલની,

દમેદમ પધારતી નિકટ શાશ્વતી યામિની.

શાંતિ-ચિતસૌખ્ય-કાજ જગ ડ્હોળવાં મંથને,

ભરી યદિ અશાંતિ ચોગમ સમુલ્લસંતી તો.

મને અસુખ ના ક્રમે વિતથ સૌખ્ય જેવાં કઠે;

સુખો રુચતાં, યથા સમજ માંહી ઊતર્યાં દુખો.

યથાર્થ સુપથ્ય એક, સમજ્યાં જવું શક્ય જે.

અજાણ રમવું કશું! સમજવું રિબાઈય તે.

મુંબઈ, ૯-૯-૧૯૩પ (નિશીથ)

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ ઉમાશંકર (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2005