રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમ્હેલોમાં, ઑફિસોમાં, અવિરત ગતિથી લ્હેરતો તું સલૂને...
દાબી જ્યાં ચાંપ, ત્યાં તો ફરફરફર પોલાદની પાંખડીઓ
વીંઝાતી શી હવામાં, પવનલહર શીતોષ્ણ ફેલાવનારાં
ઊંડાં આંદોલનો, ને ઝિનઝિન રવના મર્મરો શા મચાવે?
—સાચીખોટી બધી યે ઘરઘર કરીને કૂથલી, રાચનારા
એદીના સ્વપ્ન જેવી તુજ બસ ગતિ છે શેખચલ્લી સરીખી.
રે આ ઘાણી ફરે છે અદલ તુજ સમી, તો ય એ સત્ત્વ દે છે.
દેતો આ ચાકડો યે ધરી પર ફરતો ધૂળનાં ધન્ય પાત્રો.
ચીલે પૈંડાં ફરે છે સકલ શકટનાં દૂરનાં ધામ મેર...
છોડે ના જે ધરીને, સફર પણ, કરે જોજનો–જોજનોની.
બાપીકી મિલ્કતો પે ફિકર વિણ ફરે કોઈ ફરજંદ બંદો,
છંદીલી, સુસ્ત, શોખી, અગતિક ગતિ જેવી જ જે જિન્દગાની,
જેના લૂખા લલાટે જીવનક્રમ નહીં, વિક્રમ ના લખાયું,
એવો તું યે ફર્યા કર–ધનપતિકુલના એકના એક જેવો!
સ્રોત
- પુસ્તક : કાવ્યપ્રયાગ (પૃષ્ઠ ક્રમાંક 252)
- સર્જક : વેણીભાઈ પુરોહિત
- પ્રકાશક : સુમન પ્રકાશન
- વર્ષ : 1978