jathragni - Sonnet | RekhtaGujarati

રચો, રચો અંબરચુંબી મંદિરો,

ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા!

મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,

રંગે ઉડાવો જળના ફુવારા!

રચો, રચો ચંદનવાટિકાઓ,

ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો

ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા

રચો ભલે!

અંતર-રૂંધતી શિલા

કેમ ભાવિ બહુ કાળ સાંખશે?

દરિદ્રની ઉપહાસલીલા

સંકેલવા, કોટિક જીભ ફેલતો

ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;

ખંડેરની ભસ્મકણી લાધશે!

[વીસાપુર જેલ, એપ્રિલ ૧૯૩ર (ગંગોત્રી)]

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ ઉમાશંકર (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2005