જતાં તું
jataan tun
જશભાઈ કા. પટેલ
Jashbhai Ka. Patel
(પૃથ્વી)
તને પ્રિય હતું જ આ સ્થળ જ્યહીં રમ્યા આપણે
અનેક દિન સાથમાં રમત ગિલ્લીદંડાતણી;
ઘટા ગભીર ધારતો વડ પ્હણે ઊભો સાક્ષીશો
લૂંટેલ ઘણી આમલીપીપળીની મજા જેહની!
તલાવતટપે અહીં ઘણીક વેળ બેસી, સખે!
નિરીક્ષણ કરેલ મૌગ્ધ્યથી પ્રદોષનું આપણે.
સુરમ્ય શશી ન્યાળિયો ગગનગોખમાં રાજતો
કદી કદીક, વા તળાવજળમાંહીં હિલ્લોળતો.
ભયાનક સ્મશાન સ્હેજ દૂર ત્યાં જગાડે સ્મૃતિ
શિશુસહજ બીકથી નીરખી સૌ ચિતાઓતણી.
–હતે જીભ કદી ઊભેલ તટપ્રાન્તનાં વૃક્ષને
ભરેલ ઉરવાત છાની સહુ આપણી કેહવા!
થયું બધું સ્મશાનશું પ્રિય! જતાં તુઃ– જ્યાં ભૂત એ
ઊઠે લગીર, વર્તમાન મુજ આત્મ ભીંસી લિયે!
સ્રોત
- પુસ્તક : પ્રત્યૂષ (પૃષ્ઠ ક્રમાંક 9)
- સર્જક : જશભાઈ કા. પટેલ
- પ્રકાશક : ચારુતર પ્રકાશન વલ્લભ વિદ્યાનગર
- વર્ષ : 1950