jadu - Sonnet | RekhtaGujarati

થોડા દા’ડા માંહી નવશિશુ ઘરમાં આવશે એની રાહે

રહેતું’તું ગૃહ આખું અકલિત સુખમાં, કાંઈ ચિંતાય સાથે.

મેં તો નક્કી કર્યું’તું મન મહીઃ- શિશુમાં દેવું ના ચિત્ત ઝાઝું,

જાવું એકાદ આંટો, ખબર લહી કરી આવવું નિત્ય પાછું.

મેટર્નીટી થકીયે જનની-શિશુગૃહે આવશે તોય મારે

માયા ના જોડવી નવજનિત થકી, માંદું સાજું પડે તો

મિથ્યા ચિંતા વધે ને દુખિત ઉર બને, પીડ કૈં કૈં વધે ને...

તેથી રાખ્યું નક્કી : શિશું પ્રતિ નિતનું પાળવું નિર્મમત્વ.

આવી પૂગી ઘડી : રુદન રણકતો વંશની વૃદ્ધિ જેવો

આવી પૂગ્યો શિશુ એ, જનકજનનીના સ્વપ્નની પૂર્તિ જેવો.

આવ્યો સંદેશ : “આવો, ગળથૂથી ફઈબા પાય-ઇચ્છે બંધાયે.”

ને હું નિર્મોહી ચિત્તે શિશુ સમીપ ગઈ, આંગળી ગોળભીની

કીધી ને મેલી જેવી શિશુ મુખ મહીં, ત્યાં ભોળું, ભોળું ભટૂડું

શોષી ગ્યું ગોળ સાથે બચ બચ કરતું મારું તે નિર્મમત્વ.

સ્રોત

  • પુસ્તક : શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ... (પૃષ્ઠ ક્રમાંક 114)
  • સંપાદક : ઉષા ઉપાધ્યાય
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2007