isuni chhabi tingaDtan - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઈસુની છબી ટિંગાડતાં

isuni chhabi tingaDtan

ઉશનસ્ ઉશનસ્
ઈસુની છબી ટિંગાડતાં
ઉશનસ્

રહું છું ઊભો જૈ તમ છવિની સંમુખ ભગવન્!

થવા દૌં છું ખુલ્લા હદય પર જે કૈં થતું ભલે;

તમોને પહેરાવ્યો મુગટ વીણી તીણી શૂલતણો

દિસે તાજો જાણે અબઘડી મૂકયો મેં તમપે;

તમારા તો ચ્હેરા ઉપર, નયનોમાં દરદની

કરુણાની આભા ચકરઈ રહી એવી, શૂલનું

બની જાતું ચ્હેરાફરતું કિરણો કેરું વલય!

ધસી આવી ફોટાબહિર દૃગ ભોંકાઈ જતું;

હથોડી રીઢા કરથી ઊઁચકાતી ધ્રૂજી જતી;

ફરી પાછા ખીલા મુજ કર, અને આપ ક્રુસપે!

પ્રભો, તે કેવું નસીબ મળ્યું છે કે વળી વળી

તમારી સામે હું કંઈ કંઈ મિષે આવી જઉં!

થશે ક્યારે સાચી રીતનું તમ સંમુખ ઊભવું?

નીચે મ્હોઢે, લજ્જા સહિત અપરાધી શું ઊભવું?

સ્રોત

  • પુસ્તક : નવી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 117)
  • સંપાદક : મનસુખલાલ ઝવેરી, રમણ વકીલ
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1966
  • આવૃત્તિ : 2