hun to baba - Sonnet | RekhtaGujarati

હું તો બાબા...

hun to baba

કરસનદાસ માણેક કરસનદાસ માણેક
હું તો બાબા...
કરસનદાસ માણેક

હું તો, બાબા, તરણી સરતી મૂકીને અબ્ઘિનીરે,

ધીમા મીઠા કરથી સઢ પંપાળનારા સમીરે,

જૂના સ્નેહી તણી શીતલતા વર્ષતી ચાંદનીમાં

વ્હેવા ચાહું; વહી જઉં જ્યહીં–સૃષ્ટિ આનંદનીમાં!–

અર્ધાં મીચ્યાં નયન થકી ના કોઈનેયે નિહાળી,

તાજું, સાજું, મુજ શરીર લંબાવીને ચત્તું ઢાળી,

ભાંગ્યાંતૂટ્યાં ગીત ગણગણી ઢંગ વ્હોણાં અનેક

જેનો હોયે મુજ થકીય તે અર્થ અસ્પષ્ટ છેક!

વ્હેવું ગાવું જીવનભર સૃષ્ટિમાં સીમ શાની?

વ્હેવું ગાવું—સતત વહવું—એ છે જિંદગાની!

હોકા કેરી ખટપટ કશી, શાં હલેસાં, સુકાન–

ખોવાવાનું નવ જનની ઉત્સંગમાં કયાંય સ્થાન!

વ્હેલું મોડું પૂગવું સહુને ચાહીને વા પરાણે:

ટૂંકી રાત્રિ તણી સફર તે પડિંતો કયાંથી માણે!

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય - 2 (પૃષ્ઠ ક્રમાંક 141)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973