hun muj pita! - Sonnet | RekhtaGujarati

હું મુજ પિતા!

hun muj pita!

ઉશનસ્ ઉશનસ્
હું મુજ પિતા!
ઉશનસ્

અરે, આ વેળા તો અનુભવ થયો અદ્ભુત નવોઃ

હતો પ્હેલી વેળા જનકહીન ગેહે પ્રવિશતો,

હું જાણે કો મોટા હવડ અવકાશે પદ ધરું;

બધી વસ્તુ લાગે પરિચિત જ કોઈ જનમની,

અશા કૌતુકે, કો અપરિચયથી જોઈ રહું કૈં;

પ્રવાસી વસ્ત્રોને પરહરી, જૂનું પંચિયું ધરું

પિતા કેરું જે આ વળગણી પરે સૂકવ્યું હતું;

પછી નાહી પ્હેરું શણિયું કરવા દેવની પૂજા;

અરીસે જોઉં તો જનક જ! કપાળે સુખડની

ત્રિવલ્લી, ભસ્માંકો! અચરજ! બપોરે સૂઈ ઊઠયો

-પિતાજીની ટેવ! -અશી જ પ્રગટી પત્રની તૃષા!

સૂતો રાત્રે ખાટે જનકની જ, રે ગોદડુંય એ!

નનામીયે મારી નીરખું પછી-ને ભભડ ચિતા,

રહું જોઈ મારું શબ બળતું હું; હું, મુજ પિતા!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 130)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004