hun janmyo chhun koi - Sonnet | RekhtaGujarati

હું જન્મ્યો છું કોઈ-

hun janmyo chhun koi

ઉશનસ્ ઉશનસ્
હું જન્મ્યો છું કોઈ-
ઉશનસ્

હું જન્મ્યો છું કોઈ વિરહ તણું મીઠું દરદ લૈ

ઉછેરે મારા જે ઊછરતું રહ્યું ગૂઢ ભીતરે,

થતાં એનાં અંગો વિકસિત પૂરાં પુખ્ત વયનાં

સમાતો ના એનો મુજ ભીતરમાં ઇન્દ્રિયગણ;

અને એણે એની વયરુચિ પ્રમાણે નજરનું

પ્રસારીને લાળે ચીકણું ચીકણું જાળું સઘળે

ગ્રહી, ચાખી વસ્તુ નવી નવી, અને થૂથુ કરીને

થૂંકી નાખી છે રે; વળી વધી જતો મૂળ વિરહ;

હું જન્મ્યો છું સંગે વિરહ લઈ કો ગૂઢ; નહિ તો

બધા ભોગે શાને ક્ષણિક રસ ને, ગ્લાનિ જ પછી?

અરે, તો આ કોનો વિરહ ઊછરે છે મુજ વિશે?

મળ્યું જન્મારાનું દરદ, પછી, તો કોની પ્રીતનું?

ન જાને, આ કોનો વિરહ મુજ આ હાથ પકડી

જતો દોરી? કોને ઘર લઈ જશે અંતિમ ઘડી?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000