hun jaanun - Sonnet | RekhtaGujarati

હું જાણું

hun jaanun

ઉશનસ્ ઉશનસ્
હું જાણું
ઉશનસ્

હું જાણું : જન્મ્યા કે મરણસમું કૈં નક્કી બીજું,

મનુષ્યે વ્હાલાંના મરણ થકી ટેવાવું રહ્યું;

બને તો મૃત્યુને શિવ-વર કહી ગાવુંય રહ્યું;

પરંતુ પૃથ્વીને મરણ હજી કોઠે નથી પડ્યું!

નવું ના, મૃત્યુ મેં વળી વળી દીઠું છે અહીં થકી

જતું ધોરી રસ્તે જીવનતણી ખાંધે ચઢી ચઢી.

(અને જોવા જેવી બીજી ચીજ અહીં છેય કઈ તે?)

બધી વેળા થોડો વધુ વધુ રહ્યો ફિલ્સૂફ બની.

પરંતુ મૃત્યુ રે સ્વજનનું, શિરચ્છત્ર, સરખા

સદા જોયા વ્યાપ્યા નભનું અમ ગેહે જ? વસમું.

છયે કોઠે જીતી ફિલસૂફી અહીં સપ્તમ ગઢે

જતી હારી; હાવાં અવ સુદૂરથી પત્ર લખતાં

મને વીંધે શય્યા સ્મૃતિ શરની દેશો ઠપકો,

નિરાંતે મારાં નયન, અહીં એકાન્ત ટપકો.

સ્રોત

  • પુસ્તક : સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 289)
  • સર્જક : ઉશનસ્
  • પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
  • વર્ષ : 1996