ras - Sonnet | RekhtaGujarati

યદા તુજ દૃગે ભમે ગરલવર્ણ ઈર્ષ્યા, તદા

પુરાણ નગરી તણા વિજન ક્યાંક ખંડેરમાં,

ભમંત સુણું કોક ડાકણનું હાસ જે સાંભળ્યે

ખરે નભથી તારકો, રુદન થૈ જતું શ્વાનથી!

પ્રકોપ તવ નેત્રમાં અનલવર્ણ ઊઠે, તદા

નિહાળું છલકંત ખપ્પર વિશાળ પાંચાલીનું,

અનેક સમરાંગણો કણકણે ભર્યાં રક્તનાં,

અસંખ્ય ડૂબતા, મરે અસુરવૃત્તિ દુઃશાસનો.

દૃગે પ્રણયસિક્ત ને કુમુદવર્ણ નર્તે સ્મિત,

તદા મનુજ-ઉત્સવ! દ્યુતિ લસંત આનંદનો

શશી હ્રદયમાં દ્રવી અમૃત ઉલ્લસાવી રહે

ચકોર નયનો મહીં પ્રણયની નરી માધુરી!

ધરી વિવિધ રૂપ જે રસ રમે ઉઘાડાં ચખે,

નિમીલિત ચખે થઈ પરમ શાંતિ તે શો ખીલે!

સ્રોત

  • પુસ્તક : પડઘા અને પડછાયા વચ્ચે (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સર્જક : ચંદદ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2005