ajab dayite! - Sonnet | RekhtaGujarati

તમે નો'તાં ત્યારે, નયન મુજ નો'તાં નિરખતાં

કશું યે કલ્યાણી! તમ વિણ બધું નીરસ થતાં;

સુહાગી સૃષ્ટિની સમદ, શિવ, સૌન્દર્યલહરી

નચાવી નેત્રોને મુજ નહિ શકી વા નવ હરી.

તમે, કાં કે, એવાં હૃદય વસિયાં'તાં પ્રિયતમે! પ

કે નેત્રે બીજું કંઈ પણ તમારા વિણ રમે.

અને હો છો ત્યારે પણ નયનો કાંઇ નિરખે;

બધું, કાં કે, એનું ભવભવનું નિર્વાણ વિરમે

તમારા નેત્રો ને અધર વિકસાવન્ત સ્મિતમાં,

રુપાળી છાતીની ચડઉતર થાતી ધબકમાં, ૧૦

શશી, તારા, પુષ્પો, ધનુ ઘનનું, પ્રત્યૂષ:સહુનાં

વસે જ્યાં સૌન્દર્યોં હસમુખ તમારા વદનમાં.

તમે યે કેવાં છે અજબ દયિતે! કે નયનમાં

અભાવે ને ભાવે પણ મુજ રમી એકજ રહ્યાં!

૧ર ઑક્ટોબર, ૧૯૩૮

સ્રોત

  • પુસ્તક : આરાધના (પૃષ્ઠ ક્રમાંક 5)
  • પ્રકાશક : આર. આર. શેઠ
  • વર્ષ : 1939