ઉશનસ્
Ushnas
(૧)
હવે તો કંટાળી ગઈ છું નીરખી રાહ સતત,
ગઈ આંખો થાકી નીરખી નીરખી ચોગમ પથ,
પ્રતીક્ષાર્થે પ્હેર્યાં કડક નવલાં વસ્ત્ર સઘળાં
ઉતારી નાખું છું કડક કઠતી ચૂંદડી થકી
મને ઓટીસ્થાને ચચરતું કશું ચામડી પરે;
હવે વહેલા, મોડા, સરખું મુજને, વેળ વટી જયાં;
સદા સત્કારાર્થે બનીઠની રહી સજ્જ ભૂષણે
દુખી આવ્યું છે રે શરીર બધું આ અક્કડ રહી;
હવે તો લંબાવી દઉં શિથિલ ને શ્રાન્ત શરીર,
ચઢ્યું દ્હાડાઓનું વળી કરવું છે કામ ઘરનું
તમે આવો ને જો ઘરનું કરતાં કામ મુજને
નિહાળી જાઓ તો (અલકજૂટ હોળ્યા વગરનો
અને મેલાંઘેલાં ઘરવસન તો) ઠીક જ થશે,
તમારે મારું આ ખરું રૂપ જ હા, ચ્હાવું પડશે.
(૨)
તમારે ક્યારેયે અતિથિજન! જો આવવું અહીં,
તમારે મારું આ ખરું રૂપ જ હા, ચ્હાવું પડશે;
નથી મારે ખોટા ક્ષણિક ઉપચારોથી ઠગવા,
અનભ્યાસે લાગે અગવડભર્યાં અંગભૂષણો;
પરાયું માનીને અગર અહીં જો આવવું ચહો,
રહો, તો ના આવો, કહું પ્રથમથી; પોતીકું ઘર
ગણીને આવો તો અતિથિ, મુજ ટેવોથી સઘળી
તમારે ટેવાવું — ગમી અણગમી સૌથી — પડશે;
મુખે બંસી, માથે મયૂરપીંછનું છોગું ધરીને,
કટીએ કંદોરો, પટકૂળ પીળું રેશમી સજી
ભમો છો ગોપીનાં ઘર ગણત તે છેલછબીલા!
અહીં ન્હૈ ચાલે કૈં, ઘરમહીં પ્રવેશે જ સઘળા
ઊંચા મૂકી વાઘા નિત લગનના — આ ઘરતણા
થવા ચાહો સ્વામી — થવું જ પડશે ધૂળવરણા.
સ્રોત
- પુસ્તક : સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 242)
- સર્જક : ઉશનસ્
- પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
- વર્ષ : 1996
