harshghelo - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હર્ષઘેલો

harshghelo

પ્રદીપ સંઘવી પ્રદીપ સંઘવી
હર્ષઘેલો
પ્રદીપ સંઘવી

(છંદ : શાલિની-વૈશ્વદેવી. દરેક કડીમાં પહેલી ત્રણ પંક્તિ શાલિની; છેલ્લી વૈશ્વદેવી. છેલ્લી બે પંક્તિઓ વૈશ્વદેવી.)
વર્ષી વર્ષી આખરે આભ થંભ્યું,
ગાજી ગાજી આખરે મેઘ થંભ્યા.
ભીની ભીની ભૂમિ આ ગન્ધવંતી,
ને એમાં ઊડે કામિની1- ગન્ધ-છોળો.

ક્યાં છે બેલી, ક્યાં, કહો, ક્યાં છુપાઈ?
આરોહી એ સૂર છેડે બપૈયો2.
ઊંચે ફેલે સૂર એ દિગ્દિગંતે;
થંભે ઓચિંતો સૂર – શું કાઠ મારી?

મેઘે ઢાંક્યા તારલા ને ગ્રહોને,
ઢાંકી દીધા સૂર્ય ને ચંદ્રમાને.
દ્હાડા ઝાંખા –સાંજ શું, શું બપોર!
રાતો ઘેરી – શું પૂર્ણિમા, શું અમાસ!

આવામાં બોલે દેડકો એકધારો,
કેવો બેસૂરો – તો ય શું – હર્ષઘેલો!

રસપ્રદ તથ્યો

1. કામિની – આ એક ક્ષુપ (છોડ અને ઝાડ વચ્ચેની વનસ્પતિ) છે. ચોમાસામાં બે-ત્રણ –ચાર વાર તેને અતિસુગંધી ફૂલોના ફાલ આવે છે. 2. બપૈયો – આ પંખીના સૂરમાં આપણને આકર્ષે તે તેની મીઠાશ નહિ; પણ આતુરતા, આવેગ અને વિહ્વળતા. ‘પી કહાં?’ એ બોલ ઉત્તરોત્તર વધુ ને વધુ તીવ્ર થતો જાય છે. આપણને જ્યારે લાગે કે હવે તો પરાકાષ્ટા આવી ગઈ અને તેની પ્રેયસીને પ્રગટ થયા વિના ચાલશે જ નહિ; ત્યાં જ તે ચૂપ થઈ જાય છે – જાણે કોઈએ કાઠ મારી દીધી!

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ