rakhene - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રખેને ઝંખેલા પ્રણયમિલને થાય અવળું;

દબાવી તોફાની દરદ દિલ, બેળે સ્મિત કરી

સખી! મૂંગો બેઠો, તલ મુખ ભણી મીટ ભરીને

- અને ત્યાં મૌનસ્મિતમહીં થયું વ્યક્ત સઘળું!

રખેને વાંચ્છેલા મિલન રસરંગે ક્ષતિ પડે;

દબાવી દૈ ને હું ક્ષતહૃદયની આરત બધી

સખી! આઘે બેઠો, તવ કર રખે સ્પર્શું ભયમાં;

- અને બેઠાંમાં પ્રકટ થઈ અકળામણ ઊંડી,

રખેને છેલ્લી પ્રણય ઘડીએ કોક નગણી

ઘવાયા હૈયાની પ્રખરતમ જ્વાલા રહી રહી

ભભૂકી ઊઠે, ને તવ હૃદય બાળે અમસતું

ગણી, બેઠો મીંચી નયનદ્વય, માથું નત કરી;

- અરે! મીંચેલાં નયનયુગલે કહી દીધું બધુ!!

સ્રોત

  • પુસ્તક : સાધના (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સર્જક : ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’
  • પ્રકાશક : રમણલાલ પી સોની
  • વર્ષ : 1944