kathni - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

૧.

સપન સઢ શાં! ખૂલ્યાં ફૂલ્યાં વસંતલ વાયરે

કાંઠો છોડી તરલ મનનું વ્હાણ ચાલ્યું, ઝગારે

અવનવી લસે નેત્રોમાંહી કશી ક્ષિતિજો અને

જેના તેજે અરવ ઘૂઘવે વિશ્વનો અબ્ધિઆરો!

ચહુ તરફ શાં હેલારાએ ચઢ્યાં જલ ડોલતું

ઉલ્લાસોથી સભર સરતું દૂર ને દૂર જાય...

નગર નીરખું ઝાંખું જ્યાં મુગ્ધ શૈશવ બોલતું,

સૃષ્ટિનો ત્યાં ક્રમ પ્રગટતો દૃષ્ટિમાં દૃશ્ય થાય.

નવલ જલનાં બિંદુ જેવાં, પ્રકાશ મહીં હસી

ઉઠ્યાં કોનાં દ્વય નયન ઝૂકતા ઝરૂખે!

ક્ષણ સમયની બાંધી ગૈ શું ત્યહીં? પલમાં ખસી

નાની તોયે શ્વસન પરની મૌન રૂંધી શિલાએ!

પ્રથમ પમરી ઓષ્ઠો વચ્ચે સર્યો 'પ્રિય' શબ્દ તે

રૂંવે રૂંવે છલછલ થયો પ્રાત:ના રંગ જેવો!

ર.

રૂંવે રૂંવે છલછલ થતા પ્રાતઃના રંગ જેવા

કલરવ બધાં પખીઓના ખરે ફૂલપત્તી શા!

જાગે આખું જગત, તુંય તે લ્હેરખી જેમ જાય

નવ પદપદે ન્યાળું પૂર્વે પણે પ્રગટે હીના!

તારાં અંગો તવ સ્વરૂપના બિંબથી ખેલતાં ને

સલિલ જીવતું થાતું, માણું હું સાબરના તટે

ઊભો, ફેંકી સ્મિત કિરણ શું વારિ ઉંચે ઉછાળે,

પવન પુલકી ઊઠી આછું રમે તવ લટે!

નીચાં ઢાળી નયન નીરખે તાહરાં જ્યાં અચિંત

ગગન સમજી જોઉં હું ને પુરાઈ જતો અરે!

છેટો તોયે અનુભવી રહું આપણે તો અભિન્ન

તવ હૃદયમાં એવુ થાતું હશે પ્રિય શું ખરે?

વ્હેતા વ્હેણે દિન વહી ગયા એકદા સાંધ્ય વેળા

નભ નીરખતું તારાઓથી જલ્યા દ્વય દીપકો.

નભ નીરખતું તારાઓથી અગમ્ય અનંતતા

ચોપાસે શી અકલ પ્રસરે આપણા મુગ્ધ ભાવો

સરખી સહુમાં મ્હેકી રહેતી તગંત પ્રફુલ્લતા

નેત્રોમાંહી નવ કદીય તે ભૂલી ભુલાય ક્યારે.

પ્રથમ પરશે હૈયે આછો કર્યો થડકાર, ને

સાથે ઊડ્યું તરુણવયનું ગુપ્ત ચાંચલ્ય—પખી

તિમિરથરનાં પોલાણોમાં ગયું ઉરદૃારને

ઠેલી ને કૈં ખબર પડી ના-(એ ક્ષણો આજ ડંખી!)

સહજ ઊપસી વ્રીડા તારે કપોલ અને દૃગે,

સોહી ઊઠ્યો અલકલટમાં શાંત અંધાર ઝીણો!

તવ હૃદયની નાની નાની લહી અવ શી છવિ

મુદ્રા મારી વિકસી રહી ત્યાં શાંત ગંભીર આછી!

હ્રદય મહીં તો ફૂટ્યા ભાવો અસંખ્ય, પરંતુ રે

આનંદોના સભર જલમાં વાણી યે મૌન ધારે!

આનંદોના સભર જલમાં ઊર્મિઓ ઊઠતી ને

ઉભય મળતાં ત્યારે પાછી જતી પલમાં શમી!

વ્યાપેલી મનુજજીવને વેદનાઓ અગણ્ય

નગરમહીંના ઉદ્યાનોમાં ફરી ઉરમાં ભરી!

વાતો સુણી જીવનપથની દૈવમાં ગૂંચવાતા

અરવ સ્થલમાં ઘૂમ્યાં, ઊડયાં ભવિષ્ય-વિતાનમાં!

જોઈ રહેતાં અનિમિષ દૃગે વૃક્ષથી પર્ણ છૂટી

ફરફર ખરે ચક્રાવો લૈ કશાં મન કોરતાં.

મધ્યાહ્નોના પ્રખર તડકા ચાંદની રૂપ માણી

પ્રિય પ્રણયની છાયા ઓઢી જતા દિન,-ક્યાંક તો

છંછેડી મેં બહુ બહુ તને, તાહરા રોષે

વિટપવિટપે લજ્જા પામી રહ્યા ગુલમોર શા!

તારી સાથે ફરી ફરી ઘણું જોયું, શીખ્યો પરંતુ

તવ હૃદયમાં મ્હેકી રહેવા રહ્યો તલપી ઘણું.

તવ હૃદયમાં મ્હેકી રહેવા રહ્યો તલપી અને

સ્વપ્નાંઓના વિધવિધ પ્રદેશે રહ્યો સંગ માણી.

હસવું રડવું રિસાવું ને પછી મળવું પ્રિયે

તો તારે સહજ હતું– (મેં જિંદગી રુપ જોયું!)

જલ વરસતું ત્યારે આભે લસે ધનુરંગ તે

તારા સ્પર્શે હુંય અનુભવું એહવું શ્વાસ સંગે;

જીવનતરુને કાજે એમાંથી રંગ કુમાશ મેં

ચાહ્યાં, જેથી તવ મૂરત હ્યાં પૂજવી ભવ્ય પ્રીતે!

પછી, પ્રતિદિને મ્હોરે જેવી વસંત હું મ્હોરતો.

હૈયે ભાવો રહી રહી ધસે અભ્ર આષાઢ જેમ.

પુલક્તિ તૃણે ભીની ભીની લહેરખી નર્તતી,

પર્ણો ફૂટે તરુવરમહીં, અંતરે કાંઈ થાય!

અણુ અણુ બધું તારાથી શ્વસે, અખિલાઈમાં

કેવા કૈં કૈં સ્વરૂપ વસતી તેય અંતે તું એક!

કેવા કૈં કૈં સ્વરૂપ લસતી તોય અંતે તુ એક,

પૃથુલ નજરે એથી તો મેં ચહ્યાં સહુ રૂપને.

શ્રદ્ધા મારી વિકસિત થતી ફૂલને રૂપ ફોરી

વિટપવિટપે ઝુલી ઝૂલી સુગંધથી આરતી

લેતી કેવી! હિમકણ તણાં મૌક્તિકો વેરતી તે

ઋજુ કિરણ સૌ મ્હેકાવી દે લસે મૃદુ શાદ્વલ!

વિશ્વે તું જો પ્રિય વિલસતી, મારી શ્રદ્ધાય એવી

નિશદિન તને ચાહી રહેશે અનંત યુગો સુધી!

તવ નયનની સુંવાળી અશોક શી કુંપળે,

એવું ચાહી ઉરસુરભિ હું મૂકવા જાઉં ત્યાં તો-

પલક ભરીને તારા હૈયે ડૂબી મુજ બાહુમાં

રોતાં રોતાં નવ કશું કહી શ્વાસ શી ચાલતી થૈ!

દિવસ ઢળતાં છેલ્લી આપી વિદાય પ્રિયે મને

ડૂબી ગૈ ક્યાં? ગહન તિમિરે, તારકોએ નિહાળ્યું!

૭.

ડૂબી ગૈ ક્યાં? ગહન તિમિરે, કોણ જાણે અચિંત

સહજ સ્પરશે હું જાગું ને લહું મુખ કોનું તે?

થંભ્યું મારા તરલ મનનું વ્હાણ નવ્ય દેશે

નવલ જગને આરે ઊભું નવી ક્ષિતિજો ઝગે

સ્વપ્નાંઓની નવલી વનશોભા ફૂટે નવ્ય વેશે!

ચહુ તરફથી હેલારાએ પડે દ્યુતિ વારિમાં

ઉલ્લાસોથી સભર સ્પરશે ઝાંયના શા તરંગ!

નવ કળી શકું આનંદોની સીમા અહીં અન્યની

મૂંગી મૂંગી પ્રીત તરસતું હર્ષમાં હૈયું ગાઈ

મધુરનમણા ચ્હેરે ઊડે પતંગ સમું, - લહું

ને ભીંતે ત્યાં અકલ તડકો વ્યાપ્ત તે, વૃક્ષથી કો

વિટપ લળતી જાણે એને મથંત ઉખાડવા!

જોયું મેં તો ઘડીભર અરે માહરું અતીત

મનની ગતિને ના ના ક્યાંયે નથી અવરોધ કૈં!

સ્રોત

  • પુસ્તક : સ્વગત (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સર્જક : યૉસેફ મેકવાન
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1969