રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
આફ્રિકાને
africane
ડાહ્યાભાઈ પટેલ
Dahyabhai Patel
(શિખરિણી)
અમે મૈયા તારા પદકમલમાં ચુમ્બન ધર્યાં,
નિહાળી બાલુડાં સ્મિતકુસુમ તારે ઉર ઝર્યાં;
વિદેશી કે દેશી નવ કદી ગણ્યા તેં તૃષિતને
વહાવ્યાં તેં પીવા, તનુજ ગણી વાત્સલ્યઝરણાં.
ભલે તારે હૈયે જ્વલિત સહરા શી મરુભૂમિ,
અમારે માટે તો સુમધુર સુધા વક્ષઃસ્થલની
સદા સીંચી પીવા : નિબિડ વન છો ને તવ ઉરે,
અમારા માટે તો સુખસભર ચન્દ્રાંશુ-સરણિ.
અમારા હૈયામાં વિરહ સ્મરણે ભારત તણાં,
સદા ફોરી ફાલી સુરભિ ઝરતાં તોય વિપુલાં,
વસ્યા તારા અંકે નમન અમ હો! માત જય હો!
અમારી માતાના દુખદ વિરહે અશ્રુ સરિયાં.
લૂછ્યાં તેં સૌ; માતા નીરખી તુજને અન્ય રૂપમાં,
ખરે તું કલ્યાણી! અમ જીવનની ને જગતની.
સ્રોત
- પુસ્તક : બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા કાવ્યધારા (પૃષ્ઠ ક્રમાંક 86)
- સંપાદક : બળવંત જાની
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2014