chahun - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તને દીકરી! આંહીં એવું બધું તે હતું દુઃખ શું,

જવું પડ્યું કે વછોડી ભર્યુંભાદર્યું ઘર?

મેં, જનનીએ ન, અન્ય સ્વજનેય ઊંચે સ્વર

વેણ કહ્યું ચોટ અંતર લગાડી જાયે અશું.

હૂંફાળ ફરતો રહ્યો જનની-હસ્ત તારે શિરે,

રહ્યો વહી વહાલ–સ્રોત મુજ નિત્ય તારા પ્રતિ;

વળી ઉભય બંધુની ભિંગની લાડલી તું અતિઃ

તું એકસરખી હતી પ્રિય બધે ઘરે-બાહિરે.

તું આંહીં નહિ તોય ટેવ-બળથી તને નામથી

પુકારી ઊઠું ને જઉં પડી બીજી ક્ષણે છોભીલો,

ફરી થઉં સભાન શીઘ્ર તું-અભાવથી, હું ઢીલો

પડું, ઉર-ડૂમો છૂટો મૂકી, ઝરી રહું આંખથી!

ચહું: ઝરી ઝરી થાય ઉર મારું ખાલીખમ,

રહે ઝરણ-સિક્ત તારી સ્મૃતિ નિત્ય લીલીછમ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000