gayan warsho - Sonnet | RekhtaGujarati

ગયાં વર્ષો-

gayan warsho

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
ગયાં વર્ષો-
ઉમાશંકર જોશી

ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં!

ગયાં સ્વપ્નોલ્લાસે, મૃદુ કરુણહાસે વિરમિયાં!

ગ્રહ્યો આયુર્માર્ગ સ્મિતમય, કદી તો ભયભર્યો;

બધે જાણે નિદ્રા મહીં ડગ ભરું એમ જ સર્યો!

ઉરે ભારેલો જે પ્રણયભર, ના જંપ ક્ષણ દે,

સ્ફુર્યો કાર્યે કાવ્યે, જગમધુરપો પી પદપદે

રચી સૌહાર્દોનો મધુપુટ અવિશ્રાંત વિલસ્યો.

અહો હૈયું! જેણે જીવતર તણો પંથ જ રસ્યો.

ન કે ના'વ્યાં માર્ગે વિષ, વિષમ ઑથાર, અદયા

અસત્ સંયોગોની; પણ સહુય સંજીવન થયાં.

બન્યા કો સંકેતે કુસુમ સમ તે કંટક ઘણા,

તિરસ્કારોમાંયે કહીંથી પ્રગટી ગૂઢ કરુણા.

પડે દૃષ્ટે, ડૂબે કદીક શિવનાં શૃંગ અરુણાં:

રહ્યો ઝંખી. ને ના ખબર વરસો કેમ જ ગયાં!

અમદાવાદ, ર૧-૭-૧૯પર/પ૩ (વસંતવર્ષા)

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ ઉમાશંકર (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2005