sindhunun smran - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સિન્ધુનું સ્મરણ

sindhunun smran

સુંદરજી બેટાઈ સુંદરજી બેટાઈ
સિન્ધુનું સ્મરણ
સુંદરજી બેટાઈ

આવે આવે મદવિલસતી માનિની ઊર્મિમાલા,

ઘેરી ઘેરી યુગ યુગ તણા ગાનની શબ્દમાલા,

ઘૂમે ઘૂમે પ્રબલ અનિલો મત્ત માતંગ જેવાઃ

એવા એવા ક્યમ વીસરીએ સિન્ધુ કેરા કિનારા?

મોંઘું તો દ્વય હૃદયના જન્મનું રમ્ય સ્થાન,

ત્યાં આજે શી સ્મરણધનુની વિસ્તરે છે કમાન!

વચ્ચે કેવાં સ્થલસમયનાં અંતરો છે પડેલાં!

તોયે કેવું અધિક બલથી જામતું પૂર્વભાન!

જ્યાં બેસીને મનભર, સખી, ચાંદનીસ્નાન માણ્યાં,

જ્યાં બેસીને હૃદયરસની છાલકે ખૂબ ન્હાયાં,

ને જ્યાં માણી પ્રથમ સુરભિ આત્મની મંજરીની

ને જ્યાં પ્હેલાં કલરવ સુણ્યા દિવ્ય કો ઝાંઝરીના.

વ્યોમચ્છાયા સકલ વિભવે આરસીમાં વિરાજે,

મારે હૈયે વિતત ગરવો સિન્ધુયે એમ ગાજે.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 730)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007