suni wijanta - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સૂની વિજનતા

suni wijanta

સ્નેહરશ્મિ સ્નેહરશ્મિ
સૂની વિજનતા
સ્નેહરશ્મિ

રડે વિજન સૂની શાન્તિ અહીં તો, અને ગામ

પડ્યું શબ સમું બની, ખખડતાં પથે પાંદડાં,

અનેક ઉરના તૂટેલ અવશેષ શાં કારમાં,

કરે વધુ બિહામણી શ્રમિત શૂન્ય વેરાનતા!—

અરે! વિજનતાય સૂની થઈ! પ્રાણ ના, શ્વાસ ના!

ગયા, હિજરતે ગયા સકળ જીવ ગામના!

ગયા હિજરતે! શું જનમભોમકા હૂંફ દે?

અને ધરતીના બધા રસકસો ગયા ખૂટી કે?

નહીં, ઘરઘરે મૂગાં ઝૂરી રહ્યાં સૂતાં દ્વારમાં

રહ્યા પવન આથડી જડ મદાંધ કો આંધીના!

બની જગત બાપડું અદય આંધી આજ તો,

રહ્યું નીરખી, કિન્તુ શું હિજરતે તુંયે છે ગયો!

બને! મનુજ સૃષ્ટિના વિષભર્યા ઊના વાયરા

નિહાળી પ્રભુ! તું પળ્યો હિજરતે હશે શૂન્યમાં?

સ્રોત

  • પુસ્તક : સકલ કવિતા (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સર્જક : સ્નેહરશ્મિ
  • પ્રકાશક : વિદ્યાવિહાર પ્રકાશન
  • વર્ષ : 1984