eksatsi - Sonnet | RekhtaGujarati

એક્સટસી

eksatsi

વિનોદ જોશી વિનોદ જોશી

(પૃથ્વી)

ઝડાફ વીજ મેઘ ડમ્મર ડિબાંગમાં સોંસરી,

ખચાક ખચખચ્‌ ચીરી ઝળળ ઝુમ્મરો ઊતરી.

પ્રચંડ દ્રુત ઝબાકઝબ અવાક્‌ ક્ષણાર્ધાર્ધમાં

ભયંકર પછાડ દૈ લપકતો ગયો, પુચ્છ લૈ

ઊંડે ક્યહીં ઊંડે ઊંડે પલક ગાત્ર ફુત્કારતો.

કડાક હુડુડુમ્‌ ધ્રૂજી ધ્રધ્રધરિત્રી સમ્ભ્રાન્ત, ને

ધમે ધમણ હાંફતાં હફડ ધૂર્જટિ ઝાડવાં.

કમાન લફ લાંબી તંગ ક્ષિતિજોની ટંકારતો

ધસે હવડ વેગ ભેખડ ભફાંગ બુચ્કારતો,

છળે, છળી લળે, ઢળે, વળી પળે પળે ઑગળે.

અચાનક ધડામ ઘુમ્મટ ખબાંગ ખાંગો થતો,

ફરે લફક જીભ ફીણ ફીણ ચાટતી ચાટતી.

સમસ્ત ખભળાટ પુંસક ધસે, ડસે નસ્‌ નસે,

થતો પ્રપ્રપ્રપાત ચૂર ચૂર માત્ર રાત્રિ શ્વસે!

સ્રોત

  • પુસ્તક : પ્રતિપદા (પૃષ્ઠ ક્રમાંક 108)
  • સંપાદક : પ્રશાંત પટેલ, યોગેશ પટેલ
  • પ્રકાશક : ડૉ. મોહન પટેલ
  • વર્ષ : 2015