adhurap - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નભનિલવટે લાખો આંખો સ્ફુલિંગ સમી તગે,

તિમિર છલકે ઘેરાં ઘેરાં ઉરે મધરાતને;

મુજ કુટિરનાં દ્વારો જૂનાં, અને અધઊઘડી

વિકલ દિલની આશા જેવી અવાવરુ બારીઓ.

પવન ખિડકી ખોલી નાખે, ઘડી પછી વાસતો,

તુજ સ્મરણ રે એવાં, જંપે આવનજાવને.

વિરહ ગમે કે સાન્નિધ્યે અરે ગમે, અને

કટુ નિમિષની બાળે પેલી પરસ્પર વેદના.

કલહજનમ્યાં આંસુ તારાં ચહું સહુ પી જવા,

મુજ હૃદયની ખારાશે ભલે ભળી ઊછળે.

ઉભય ધખીએ હૈયે હૈયે ચિરંતન લેટવા,

પણુ અણખ કો’ જાગે પાછી અને જનમે ઘૃણા.

મુજ પ્રણયને ઊંડે ઊંડે હશે છલના શું?

સ્વજન! નહિ તો આવું શાને? હશે ઋતવંચના?

સ્રોત

  • પુસ્તક : દિપ્તી (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સર્જક : વેણીભાઈ પુરોહિત
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
  • વર્ષ : 1956