ek ewun ghar - Sonnet | RekhtaGujarati

એક એવું ઘર

ek ewun ghar

માધવ રામાનુજ માધવ રામાનુજ
એક એવું ઘર
માધવ રામાનુજ

એક એવું ઘર મળે વિશ્વમાં,

જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;

એક એવું આંગણું કે જ્યાં મને;

કોઈપણ કારણ વગર શૈશવ મળે!

એક બસ એક મળે એવું નગર;

જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;

‘કેમ છો?’ એવું ના કહેવું પડે;

સાથ એવો પંથમાં ભવભવ મળે !

એક એવી હોય મહેફિલ જ્યાં મને,

કોઈ બોલાવે નહિ ને જઈ શકું!

એક ટહુકામાં રૂંવે રૂંવે,

પાનખરનાં આગમનનો રવ મળે!

તો તે ના રંજ કૈં મનમાં રહે–

અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે....

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 272)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004