ek anubhuti kawysarjanni - Sonnet | RekhtaGujarati

એક અનુભૂતિ-કાવ્યસર્જનની

ek anubhuti kawysarjanni

વિનોદ જોશી વિનોદ જોશી
એક અનુભૂતિ-કાવ્યસર્જનની
વિનોદ જોશી

મૃદંગ ધ્રબધ્રબ્ધિબાંગ્ધનનધન્ધનાધન્ન - ચૂપ્

અચાનક, હવા બધી સડક, સ્તબ્ધ શાં ટેરવાં;

ઝૂક્યું ગગન ત્રાડ દૈ અધધ ભીંત આઘી ખસી

કરાલ, જડ અંધકાર ખખડી ખબક્ ખાબકયો.

ધડોધડ પડયાં ભફાંગ્ ઉભય નેત્રથી સ્વપ્ન; બે

ઘડી તરફડ્યાં, થયા ખડક ફૂરચેફૂરચા.

ધબાફ્ કલમ ત્રાટકી, હણહણ્યા જ શાં અક્ષરો,

કશું ખળભળ્યું (અવાક્!), કડકભૂસ્ કડાકો અને

પ્રપાતવશ દૃશ્ય ધુમ્કડડ ભોંય ભેગાં થયાં –

ચડ્યાં જ હડફેટમાં બરડ પોપચાં વજ્ર શા

દિશા હચમચી,

અચાનક જ ચીસ કો કારમી

સટાક્ કરતી વેતરી ગઈ જ વાયુનું વસ્ત્ર ત્યાં!

બધો જ રઘવાટ શૂન્ય થઈ શબ્દમાં પાંગર્યો,

તરંગ ઊંચકી ખભે તટ સ્વયં હવે લાંગર્યો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 110)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000