ek madhyrate - Sonnet | RekhtaGujarati

એક મધ્યરાતે

ek madhyrate

રાવજી પટેલ રાવજી પટેલ
એક મધ્યરાતે
રાવજી પટેલ

અરે, ઓચિંતું, થઈ ગયું શું સ્હેજ પરસે!

પથારી ખીલી ગૈ, કુસુમ ટહુક્યાં કૈં રુધિરમાં!

ઝમે અંગુલિનાં શિખર લયમાં, ને નયનમાં

હજારો પૂર્ણિમા પ્રકટ થઈ ગૈ શી પલકમાં!

અને હૈયાની ઊષર ધરતીમાં પરિમલ્યા

નર્યા દૂર્વાંકુરો ફર ફર થતા. સ્હેજ ચમકયું

સૂતેલી પત્નીનું શરીર; ઝબકયો હુંય; પરખી.

જરા મેં પંપાળી પ્રથમ. ઉર માય છલક્યું.

વીતેલાં વર્ષોમાં કદીય પણ ચાહી નવ તને.

સ્તનોનાં પુષ્પોમાં શરમ છૂપવીને રડી પડયો.

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 100)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989