પ્રવેશી સોળે ને
praveshii sole ne
સતીશ વ્યાસ
Satish Vyas

હવે મારા ભીના સમયવન-એકાન્તર-તરુની
કુણેરી ઇચ્છાની વિટપ પરનું ભાન ટહુકે,
સવારે જોયેલું શમણું, બનીને આંગણ તણી
નવેરા ક્યારાની તુલસી પરનું પાન, ફરકે!
ન વાગે રેતીનો કણ પણ છતાં હેલ ફૂટતી,
પગે બાંધ્યાં લીલાં વજન, મનનો મોર ગહેકે;
કદી છાનું છાનું અમથું અમથું હોઠ મરકે;
સખીની વાતોનો વિષય બની આ કાય તૂટતી!
હજી તો કાલે હું ફર ફર થતા ફાગણ સમી
હતી ને બંધાઈ ગઈ, અભરખે ચૈતર ચઢે,
કદી શય્યાખંડે ટમ ટમ દીવે આભ ઊતરે
ત્યજી ગીતા, ઓખાહરણ ભણી શ્રદ્ધા વળી જતી!
હવે કંચુકી યે રહ્યું ગવન ક્યારેક સરકે,
પ્રવેશી સોળે ને મૂંઝવણ મહીં સાન લપકે!



સ્રોત
- પુસ્તક : કવિલોક - જાન્યુઆરી-ફેબ્રુઆરી ૧૯૭૨ (પૃષ્ઠ ક્રમાંક 21)
- સંપાદક : રાજેન્દ્ર શાહ, બચુભાઈ રાવત
- પ્રકાશક : કવિલોક ટ્રસ્ટ