chhiip - Sonnet | RekhtaGujarati

પડી’તી સિંધુને અતળ તળિયે, કૈંક જળના

સ્તરો મારા નાના શરીર ઉપરે ભીંસ કરતા;

અને ત્યાં કો ખૂણે તિમિરભરી કો ખાંચની મહીં

રહી, વારિમાંથી ચહું મુજ ઉરે મોતી સ્રજવા.

થશે મારૂં મોતી સરસ, જગમાં ખ્યાતિ રળશે,

અને માતા લેખે બનીશ અધિકારિણી યશની :

કંઈ એવા ખ્યાલે દિવસ કપરા હું વહવતી,

જળોની ભીંસોને, વળી તિમિરને યે ગણતી.

અરે, કિન્તુ પેલા બની જઈ અધીરા મરજિવા

ઢુક્યા, સિંધુ ડ્હોળ્યો, ઊંચકી મને અન્ય સહ, ને

તટે જૈ જોયું તો મુજમહીંથી મોતી નિકળ્યું,

અને દીધી રોષે ફગવી શી મને વેળુઢગમાં?

ભલેને ના મોહ્યાં મુજ રૂપ પરે દુન્યવી જનો,

ઘણું ના કે હું લુભવી શકી છું બાલકો–મનો?

સ્રોત

  • પુસ્તક : પ્રયાણ (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સર્જક : દેવજી રા. મોઢા
  • પ્રકાશક : ભારતી સાહિત્ય સંઘ લિમિટેડ