chhellun darshan - Sonnet | RekhtaGujarati

ધમાલ ન કરો,–જરાય નહિ નેન ભીનાં થશો,-

ઘડી બે ઘડી જે મળી-નયનવારિ થંભો જરા,-

કૃતાર્થ થઇ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ,

સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો!

ધમાલ ન કરો, ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની,

ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ;

ધરો કુસુમ શ્રીફલો, ન ફરી જીવને આ થવે.

સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો!

ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,

રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે

અખંડ જ ભલે રહ્યું, હૃદયસ્થાન તેનું હવે

ન સંસ્મરણ વા ન કો સ્વજનયે કદી પૂરશે.

મળ્યાં તુજ સમીપ અગ્નિ! તુજ પાસ જુદાં થિયેં,

કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000