Chhelli Manjil - Sonnet | RekhtaGujarati

છેલ્લી મંજિલ

Chhelli Manjil

સુન્દરમ્ સુન્દરમ્
છેલ્લી મંજિલ
સુન્દરમ્

સલામ, ધરતી-ઉરેની મુજ છેલ્લી હે મંજિલ!

સલામ, દિન ઊગે, દિન તણી ઊગે કેડી-ઓ

પ્રલંબ, મધુરી પ્રભાની, કનકાભ કો મેખલા;

ધરા પ્રણય-ધૂસરા મુજ પદોની ધાત્રી થતી.

અહો સુખ ઉરે ઘણું ભવન તાહરે, મંજિલ!

હૂંફાળી તવ ગોદ, હૂંફભર તારી શય્યા સુખી,

સુખી મધુર આસવો, સુખભર્યાં ભર્યાં ભોજનો-

સદાય વસવું ગમે સુખદ સોણલે તાહરે.

અરે, પણ સદા મંજિલ કદાપિ વાસો બને.

નિશા સમયની ઘડી અધઘડી અહીં ગાળવી :

પ્રભાત કૂકડાની બાંગસહ વાટને ઝાલવી.

સદા સફરી કાજ તો સ્વ-પથ સંગાથ હા.

સલામ : મુખ ફેરવી પગ હવે જશે, હા જશે :

ફરી મુખ તાહરું દૃગપથે કદી આવશે.

સ્રોત

  • પુસ્તક : સુન્દરમ્-સુધા (પૃષ્ઠ ક્રમાંક 88)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.- અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2004